Saturday, August 19, 2017

ગુલે ગુલઝાર

 
તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું....!

ગુલઝારને જ્યારે ‘માસૂમ’ની ઓફર શેખર કપૂરે કરી, ત્યારે તેની વાર્તા શેખર પાસે સાંભળીને કદાચ પોતાના અંગત જીવનની લાગણીઓ સાથે તેને સવિશેષ જોડી શક્યા હશે! શેખરની પહેલી ફિલ્મ અને વાર્તા તેમણે ઍરિક સેગલની નવલકથામૅન, વુમન ઍન્ડ ચાઇલ્ડના પ્લૉટ ઉપર આધારિત સંભળાવી. ગુલઝારે ઇંગ્લીશ નૉવેલ વાંચી નહતી. પરંતુ, શેખરે જે રીતે કથાનું બયાન કર્યું, તેનાથી ગુલઝાર એટલા તો સંતુષ્ટ હતા કે નવલકથા વાંચ્યા વિના સ્ક્રિપ્ટ અને સ્ક્રિનપ્લે લખવાનું પસંદ કર્યું. માત્ર એટલા કારણસર નહીં કે પોતે બાળ સાહિત્યનું નિયમિત સર્જન કરતા હતા અને  પોતાની દીકરી બૉસ્કીને  તેના જન્મદિને દર સાલ બાળકાવ્યો લખીને તેની પુસ્તિકા ભેટ આપવાની પ્રથા રાખી હતી. પરંતુ, કથા-પટકથા આલેખવામાં બાળકોની દુનિયામાં અને ખાસ તો તેમના મનપ્રદેશમાં ઊંડા ઉતરવામાં  પોતાના બાળપણના જખ્મોને પંપાળવાની તક પણ કદાચ આકર્ષી રહી હતી.


ગુલઝારનું બચપણ સામાન્ય નહતું. પરિવારના ઓરમાન દીકરા તરીકે તેમણે સાવકી માતા તથા સાવકાં ભાઇ-બહેનની સાથે રહેવાનું હતું. તેમના પિતાજીએ ત્રણ વખત લગ્ન કર્યાં હતાં અને તે પૈકીનાં બીજાં પત્ની સુજાન કૌરના પુત્ર ગુલઝાર, જેમનું અસલ નામ સંપૂરનસિંગ રાખ્યું હતું. પરંતુ, દીકરા સંપૂરનને ઑગસ્ટની ૧૮મીએ જન્મ આપ્યાના થોડાક મહિનામાં માતાનો દેહાંત થઇ ગયો. એટલે દિવસોની સામાજિક પ્રથા અનુસાર  પિતા સરદાર મખનસિંગ કાલરાએ ત્રીજી વારનાં લગ્ન કર્યાં. તે પત્ની વિદ્યાવતીથી બીજાં પાંચ બાળકો થયાં. તે સંખ્યામાં પ્રથમ પત્ની રાજનાં, ગુલઝારથી મોટાં, ત્રણ સંતાનોને પણ ઉમેરો તો નમાયા વચેટ છોકરા એવા ગુલઝારની દશાની કલ્પના કરવી મુશ્કેલ નથી

સાવકી માતાના વર્તાવને ગુલઝારે પોતાની જીવનકથા કહેતાં કદી મોટો મુદ્દો બનાવ્યો નથી. તેમણે પોતાના કોઇ ઇન્ટર્વ્યુમાં નાનપણનાં મ્હેણાં-ટોણાં કે માર-પીટનો ઉલ્લેખ કર્યો નથી. સાવ ઓછા શબ્દોમાં બહુ બધું કહી દેનારા કવિ છે. તેથી તેમના માંડ એક ઇન્ટર્વ્યુમાં સાવકી મા વિશે તેમના મુખેથી એક વાક્ય નીકળ્યું છે, ‘ મારા પ્રત્યે દયા નહતી રાખતી!’ પોતાનું સ્થાન ઘરમાં કેવું હતું કહેવા ગુલઝાર પોતાને એક એવી વસ્તુ સાથે સરખાવે છે, જે ઘરમાં પહેલીવાર આવે ત્યારે સૌને આનંદ થાય. પણ થોડા વખત પછી કોઇને સમજાતું નથી કે ચીજને મૂકવી ક્યાં? દરેકને પોતાના રસ્તામાં નડતી લાગે! બધાના પગમાં  ઠેબા ખાય. એને કોઇ એક ખૂણામાં મૂકે તો બીજું કોઇ બીજા ખૂણે... કોઇ ઉઠાવીને દરવાજા પાસે રાખી દે, તો કોઇ દરવાજાથી દૂર! હૈયું ચીરી નાખનારી વ્યથા છે. તમે માત્ર અણમાનીતા નથી, અનવૉન્ટેડ પણ છો અને તે પણ સાવ માસૂમ એવી શિશુવયે!

તેથી ‘માસૂમ’નો પ્લૉટ ગુલઝારને પોતાની જીવનકથાનો હિસ્સો લાગ્યો હશે અને ગીતમાં તથા ફિલ્મની પટકથામાં બરાબર ઝીલાયો છે. ‘માસૂમ’માં જુગલ હંસરાજનું પાત્ર યાદ કરો તો પણ તેની સાવકી માતા શબાના માટે ઘરમાં બિનજરૂરી સામાન જેવો હોય છે ને? શબાના જે રીતે તેની સાથે વર્તે છે કોઇપણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી દે. ગુલઝારે તેમાં રૂટિન હિન્દી પિક્ચરની જેમ મૅલોડ્રામા અર્થાત અતિનાટકીયતા ભરવાને બદલે જુગલના પાત્ર દ્વારા બારીકીથી બધું કહી દીધું જે પોતાની પર વિત્યું હશે અને જેનો તેમણે પોતાના કોઇ ઇન્ટર્વ્યુમાં ઉલ્લેખ પણ નથી કર્યો


ગુલઝારે શબ્દો તુઝસે નારાજ નહીં જિંદગી, હૈરાન હૂં મૈં સ્ક્રિપ્ટમાં લખ્યા હતા. તે શેખરને ખુબ પસંદ પડ્યા અને ગીત બનાવવાનું નક્કી કર્યું. એટલે ગુલઝારે તેને પ્રથમ પંક્તિ બનાવી અને પછી પોતાની કલમથી જે કાવ્ય ઉતાર્યું નીતર્યાં અશ્રુનીરમાં ડૂબેલું નીકળ્યું.  તેરે માસુમ સવાલોં સે પરેશાન હું... એ બીજી પંક્તિમાં ફિલ્મનું શિર્ષક તો આવી ગયું અને સંવેદનાની સરવાણી પણ વહેતી થઈ. એ શબ્દો ફિલ્મમાં ભલે નસીરુદીન શાહ અને શબાના આઝમીનાં પાત્રો ઉપર હોય; પણ એમાં ગુલઝારે  પોતાની તથા તેમના પિતાની લાગણીઓને ઝબકોરી છે. એક ઘરમાં ત્રણ પત્નીઓનાં ૯ બાળકોને પ્રેમ આપવામાં પતિ (એટલે કે ગુલઝારના પિતાજી) પણ કેવા અંદરથી કેવા વલોવાયા હશે?

ગુલઝાર જ્યારે એમ લખે કે જીને કે લિયે સોચા હી થા, દર્દ સંભાલને હોંગે, મુસ્કુરાએં તો, મુસ્કુરાને કે કર્જ ઉતારને હોંગે ત્યારે અમને તો નાનપણમાં ગુલઝારે પોતે ઉઠાવેલાં દુઃખની પીડા વધારે સંભળાય છે. કેમ કે જમાનામાં સાવકાં સંતાનોને એકાદવાર પણ હસવાનું મળે, તો પછી એકાદ-બે મ્હેણાં, એકાદ વડચકું કે ધોલ-ધપાટ અથવા ખાવા-પીવા-રમવા-સૂવામાં કુટુંબ તરફથી અવગણના આવવાની હોય. પછી બાળકને પોતાનાં આંસુના ઓઘરાળા સાથે નિંદર ભેગા થવાનું હોય! બધું યાદ કરીએ તો પંક્તિ કેવી હૈયા સોંસરવી નીકળી જાય છે.... મુસ્કુરાઉં કભી, તો લગતા હૈ, જૈસે હોંટોં પે કર્જ રખા હૈ.  મુસ્કુરાતા હોઠ પર ચઢેલું ઋણ તો ગુલઝાર બતાવી શકે!

જે
દેવામાંથી મુક્તિ આંસુ કરાવી શકે કરજ કેવું? એકાદ વાર હસતાં લાગતો ડર કે અત્યારે હસીશ તો તે ચઢેલું દેવું ચૂકવવા કેટકેટલાં આંસુ વહાવવાં પડશે! તેથી ગુલઝાર તેમની કાવ્ય શૈલીથી વિપરિત જઇને બીજા અંતરામાં સુક્ષ્મ (સટલ) રહેવાને બદલે સીધે સીધા અશ્રુઓની વાત માંડે છે... આજ અગર ભર આઈ હૈં, બુંદેં બરસ જાયેંગી, કલ ક્યા પતા ઇનકે લિયે, આંખેં તરસ જાયેંગી, જાને કબ કહાં ગુમ,  કહાં ખોયા એક આંસુ છુપાકે રખા થા..’ ‘માસૂમ’માં તેમણે દો નૈના ઇક કહાની, થોડા સા બાદલ થોડા સા પાની...” એમ આડકતરી રીતે કહ્યું છે ને? પંક્તિમાંબાદલશબ્દમાં ભરાઇ આવતી, પણ નહીં વહેતી, આંખો તરફ -હ્રદયના ડુમા ભણી- કદાચ તેમનો ઇશારો છે. પરંતુ, નિરાશા કે હતાશાનો સૂર ગુલઝારની કવિતાનો સ્થાયી ભાવ ક્યાં હોય છે?

ભાવકને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડાવનારા કવિ નથી. તો પીડાને સહેજ છંછેડીને તેની કસક મેહસુસ કરાવે. ટીસ તમે  અનુભવો પછી મોટેભાગે તે કશુંક સકારાત્મક કહેતા હોય છે. ગીતમાં પણ માનવીય સંબંધોની શીળી છાયાની નિરાંતનો અનુભવ છેલ્લે આ બે અદભૂત પંક્તિઓથી કરાવે છે....

જિંદગી તેરે ગમ ને હમેં, રિશ્તે નયે સમઝાયે
મિલે જો હમેં ધૂપ મેં મિલે, છાંવ કે ઠંડે સાયે

અગાઉ કહ્યું એમ, ફિલ્મમાં શબ્દો નસીરૂદીન માટે લખાયેલા બતાવાયા હોવા છતાં વધારે તો જુગલ હંસરાજના પાત્ર માટેના લાગે છે. બાળકને શબાનાના સતત તિરસ્કાર વચ્ચે પણરાહુલ ભૈયાકહેતી પરિવારની બે દીકરીઓનો  નિર્વ્યાજ સ્નેહ  સતત વરસતો અનુભવાય છે ને? ( ‘‘લકડી કી કાઠી, કાઠી પે ઘોડા...’’ મઝાથી ગાતી ઉર્મિલા માતોંડકરને બાળભૂમિકામાં યાદ કરો.)  દુઃખના સમયમાં શાતા દેનારા નવા સંબંધો બંધાય ધોમ ધખતા તાપમાં મળી આવતી છાંય જેવા રાહત આપનારા લાગે; વાસ્તવિકતાને બે પંક્તિઓમાં કહીને ગુલઝારે દર્દીલા ગીતને એક સરસ પૉઝિટિવ મરોડ આપી બતાવ્યો હતો. તેમાં આર.ડી. બર્મનની ધૂનની કમાલ કેવી? કે દરેક અંતરામાં છેલ્લે આવતી ત્રીજી લીટી અંતરામાં ગુલઝારે લખી શક્યા નહોતા અને છતાં પંચમદાએ ત્યાં અનુપજીના રેકોર્ડિંગ વખતે મ્યુઝિકનો કર્ણપ્રિય પીસ મૂકીને સ્વરનો ખાલીપો સૂરથી ભરી દીધો. જ્યારે મહિલા સ્વર વખતે ત્રીજો અંતરો આગળ લવાયો અને બીજો અંતરો છેલ્લે! લતાજી પાસે “લા... લા...લા...લા...”નો એવો દર્દીલો લહેંકો કરાવ્યો કે કાવ્ય રચનાની અધૂરપ પ્રત્યે કોઇનું ધ્યાન ના ગયું.... ઍવોર્ડ નક્કી કરનારાઓનું પણ નહીં!
 
કેમ કે અધૂરીકવિતા તુઝસે નારાજ નહીં જિંદગી...’ માટે ગુલઝારશ્રેષ્ઠ ગીતકારની ફિલ્મફેર ટ્રૉફી જીત્યા! નેચરલી, આર.ડી. બર્મન પણ ‘માસૂમ’ માટે તે સાલબેસ્ટ મ્યુઝિક ડીરેક્ટરઠર્યા હતા. સંગીતકાર તરીકે રાહુલબાબાનો સૂરજ વખતે કેવો મધ્યાન્હે હતો કે ફિલ્મનું અન્ય એક એવું સેન્સિટિવ ગીત દો નૈના ઇક કહાની...’ ગાવા બદલ ગાયિકા આરતી મુકરજીને બેસ્ટ પ્લેબેક સિંગરના ફિલ્મફેર ઍવોર્ડ ઉપરાંત ભારત સરકારનો પ્રતિષ્ઠિત નેશનલ ઍવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. જ્યારે પ્રસ્તુત ગીત તુઝસે નારાજ નહીં જિંદગી...’  અનુપ ઘોષાલના અવાજમાં જેમના પર પિક્ચરાઇઝ થયું હતું, તે નસીરૂદ્દીન શાહ પણ સમગ્ર ફિલ્મમાંના તેમના સંવેદનશીલ અભિનયને કારણેબેસ્ટ એક્ટરનો
ઍવોર્ડ જીત્યા હતા.

અનુપ ઘોષાલ માટેનો આગ્રહ શેખર કપૂરનો હતો. તેમને હિન્દી ફિલ્મોના પરંપરાગત જાણીતા અવાજો કરતાં એક અલગ -ઑફબીટ- સ્વર જોઇતો હતો. જો કે અનુપની પસંદગીને કારણે ગુલઝારની મહેનત થોડી વધી ગઇ. બંગાળી ગાયકના ઉચ્ચાર ગુલઝારે સુધરાવવા પડતા. ખાસ કરીને હૈરાન એક શબ્દ. તુઝસે નારાજ નહીં જિંદગી, હૈરાન હૂં મૈં.... પ્રથમ પંક્તિમાં હૈરાનને બદલે અનુપ  હૌરાનગાતા! દર વખતે ગુલઝારે સુધારો સૂચવવો પડતો. (અત્યારે રેકર્ડમાં સાંભળો તો બાપડા પ્રયત્નપૂર્વક  હઇરાનએમ ગાતા સંભળાય!) પરંતુ, જ્યારે પણ ગુલઝારહૈરાનના ઉચ્ચારની ટકોર કરતા, ત્યારે અન્ય બંગાળી બાબુ એવા આર.ડી. બર્મન કહેતા, “ઠીક હી તો ગાતા હૈ”! (અને ગુલઝાર હૈરાન હી હૈરાન!!)
  
ખાંખાખોળા
ગુલઝાર સાહેબના આ શબ્દો ૧૯૮૩ની ફિલ્મ માટે લખાયા  હતા. આ રચનાનાં અસ્તિત્વના ૩૪ વરસ દરમિયાન અને આજે પણ આ ગાયન મને વાંચવા કરતાં સાંભળવાનું જ વધારે લાગ્યું હોય તો તેનું કારણ આર.ડી. બર્મનની અદભૂત મેલડી. વાંચતાં આંસુ કદાચ ડોકાઇને અટકી જાય. પણ આંખ ભીની કર્યા વગર આ ગીત હું ક્યારેય સાંભળી શક્યો નથી. તમારે પણ એ અનુભવ કરવો હોય તો, ‘સારેગમાપા’ના એક એપિસોડમાં પાકિસ્તાની સ્પર્ધક અમાનત અલીના સ્વરમાં આ ગાયન ‘યુ ટ્યુબ’ પર ઉપલબ્ધ છે. આ લિન્ક પર ક્લિક કરવાથી કોઇ પણ સંવેદનશીલ હ્રદય એવી અનુભૂતિ કરી શકે.
https://www.youtube.com/watch?v=UqfcKL8AqF0