Sunday, March 23, 2014

ફિલમની ચિલમ.... ૨૩ માર્ચ, ૨૦૧૪



કંગના ‘ક્વીન’નો દરબાર હવે જામી રહ્યો છે!



‘રાણી’ ઇતિહાસ સર્જી રહી છે.... ના,૨૧મી માર્ચે જેનો જન્મદિન હતો (અને આદિત્ય ચોપ્રા સાથે એ દિવસે લગ્ન થવાની હવા હતી એ) રાની મુકરજીની વાત નથી. આ તો આજે ૨૩મી માર્ચે જેની ‘હૅપી બર્થ ડે’ છે એ કંગનાની ફિલ્મ ‘ક્વીન’ની હિસ્ટરીનો કિસ્સો છે. ‘ક્વીન’ની સવારી આવી ત્યારે જે ભીડ થઈ હતી, તેના કરતાં દિવસે દિવસે થિયેટરોમાં દરબાર જામી રહ્યો છે. પરંતુ, તેની પણ આ ચર્ચા નથી. વાત તો છે કંગનાની કલાકાર બિરાદરી સર્જી રહી છે એ ઇતિહાસની! જે રીતે સ્ટાર્સ અને ફિલ્મકારો ‘ક્વીન’નાં વખાણ કરી રહ્યા છે એ ‘કથરોટ’ (કટ થ્રોટ - ગળાકાપ!) સ્પર્ધાવાળી ફિલ્મી દુનિયામાં કદીક બનતી ઘટના છે.

‘ક્વીન’ અને કંગના પર પ્રશંસાનાં પુષ્પો વરસાવનારાઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે આમિરખાને! આમિરે એક નહીં ત્રણ ત્રણ ટ્વીટ કરીને કહ્યું છે કે જો તમે ‘ક્વીન’ ફિલ્મ ના જોઇ હોય તો ઇસી મિનિટે જોઇ આવો. આમિર એકલો જ નહીં ટ્વીટ કરનારાઓમાં કંગનાની હરીફ અભિનેત્રીઓ દીપિકા (ક્વીન મસ્ટ વૉચ!) અને “કંગના ઇઝ ફિનોમિનલ” કહેતી સોનાક્ષી સિન્હા પણ  છે. ( આજે યાદ આવે છે, દિલિપ કુમાર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘શક્તિ’ જોયા પછી રાજકપૂરે પોતાના એક સમયના કટ્ટર હરિફ દિલિપ સા’બને અભિનંદન આપવા મોકલેલા ફુલોના ગુલદસ્તા સાથેના કાર્ડ પર લખેલા આ શબ્દો, “શહેનશાહ હંમેશાં શહેનશાહ જ રહે છે!”)   

માત્ર કલાકારો જ નહીં, કરણ જોહર અને શેખર કપૂર જેવા નિર્દેશકોએ પણ ટ્વીટ કરીને ‘ક્વીન’ અને કંગનાને એટલે કે ‘ક્વીન કંગના’ને મોતીડે (કે પછી ટ્વીટડે!) વધાવી છે. આ બધું ઓછું હોય એમ, કંગનાને એક નવા પ્રકારની ‘રાની’ બનાવવાની સંભાવનાઓ પણ પેલેસ ગોસીપની જેમ શરૂ થઈ છે. તે અનુસાર વિદ્યા બાલનને અભિનયની રીતે વધુ માન્યતા અપાવનાર ‘કહાની’ ફિલ્મના દિગ્દર્શક સુજોય ઘોષના નવી થ્રિલર ‘દુર્ગા રાની સિંગ’માં વિદ્યા ઉપલબ્ધ નહીં હોવાથી કંગનાની પસંદગી કરાઇ રહી છે. ‘કહાની’ વખતે વિદ્યાની એક્ટિંગથી પ્રભાવિત સુજોયે જાહેર કર્યું હતું કે તેમની નવી ફિલ્મમાં તે વિદ્યાને જ લેશે. પરંતુ, વિદ્યાએ હવે વધારે પડતાં ખુલતાં કપડાં પહેરવાનાં શરૂ કર્યાં હોઇ (જેની લેટેસ્ટ નિશાની ‘આઇફા’ના પ્રચાર માટેની ન્યૂયૉર્કની તેની પ્રેસ કૉન્ફરન્સમાંનું વેશ પરિધાન જોતાં) તેનું સીમંત દૂર નહીં હોય એવી અટકળો પણ જોર પકડવી શરૂ થઈ છે. જો કે એમાં કશું ખોટું પણ ક્યાં છે? પરિણિત અભિનેત્રી માતા બને એની વાત નથી.... પણ તેમની પ્રેગ્નન્સીની સંભાવનાઓના અંદાજ મૂકાય એમાં કશું ખોટું ક્યાં છે? 



વળી, વિદ્યાએ હાથ પરનાં પિક્ચર્સને એક સામટી તારીખો ફાળવવાની શરૂ કરી છે, ત્યારે તો સિનેમા ઉદ્યોગનું એક અનુભવસિદ્ધ ભડળી વાક્ય કામે લગાડાય. તે મુજબ, તો પરિણિત હિરોઇનનાં ખુલતાં કપડાં પ્રોફેશનલી તેની તંગ સ્થિતિ (ટાઇટ સિચ્યુએશન) દેખાડતાં હોઇ નિર્માતાઓએ ચેતવાની ઘડી આવી ગઈ કહેવાય! એક્ટ્રેસની એવી વાતો લખનારા ગૉસિપ કોલમિસ્ટ્સને રણબીર કપૂરની માતાએ વર્ષો પહેલાં બહુ સરસ કહ્યું હતું. તેમના રીશી કપૂર સાથેનાં લગ્નની પોતે કરેલી આગાહી સાચી પડી એનો ઉલ્લેખ કરતી એક જાણીતી પત્રકાર વિશે નીતુસિંગે કહ્યું હતું કે “કોઇ કૉલમિસ્ટને ખોટી પાડવા હું ગૃહસ્થી જીવન અને માતૃત્વના અદભૂત અનુભવને ના ચૂકી શકું!”

મઝા જુઓ કે એ જ નીતુજી અને રીશીકપૂરના ‘ખુલ્લંખુલ્લા પ્યાર કરેંગે’ના અભિગમના નતીજા સમાન રણબીરને ‘બીગ બૉસ’ની આઠમી સિઝનને હોસ્ટ કરવાની ઑફર આવી હતી. ‘બીગ બૉસ’ સૌ જાણે છે એમ, એ ગૉસિપ અને ઇધર કી ઉધર તથા ચાડી-ચુગલીને સરસ રીતે પ્રસ્તુત કરતો મસાલેદાર રિયાલિટી શો છે. તેની યજમાની કરવાની દરખાસ્ત રણબીરે સ્વીકારી નથી. પરંતુ, ‘બીગ બૉસ’ની છેલ્લી સિઝનમાં હોસ્ટ સલમાનખાને શોના હરિફો સાથે ખાસી નિકટતા કેળવી હતી. તેમાં પેલી સદા હસતી વિદેશી રૂપસુંદરી ઍલી એવ્રામ એકલીની વાત નથી. જેના કાજોલની બહેન તનિષા સાથેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા એ અરમાન કોહલીનો પણ ઉલ્લેખ જરૂરી છે.


 અરમાનની ભલામણ સલમાને સૂરજ બડજાત્યાને કરી હોઇ એક નેગેટિવ પ્રકારની ભૂમિકા માટે અરમાનને લેવાની વાત હતી. પરંતુ, લાગે છે કે હવે નીલ નીતિન મુકેશ પર પસંદગી ફાયનલ થઈ ગઈ છે. એ પિક્ચરનું નામ અગાઉ ‘બડે ભૈયા’ સંભળાતું હતું. પરંતુ, હવે એ બદલીને ‘પ્રેમ રતન ધન પાયો’ એવું કરાઇ રહ્યું છે. (‘ઓમ જય જગદીશ’ની કૌટુંબિક પરંપરાની રીતે વિચારીએ તો સવાલ થાય કે ‘પ્રેમ’ તો જાણે સલમાનનું નામ હશે. પણ આ ‘રતન’, ‘ધન’ અને ‘પાયો’ કોણ બન્યા હશે?!) ‘રાજશ્રી’ના એ પિક્ચરના રાઇટ્સ વિશેનો એક મુદ્દો પિછલે દિનોં માર્કેટમાં આવ્યો હતો. કેમ કે સલમાન ખાન સાથે એક ટીવી ચેનલે ૫૦૦ કરોડનો સોદો કરીને તેની ભવિષ્યની ફિલ્મોના રાઇટ્સ લીધેલા છે. તેથી દરેક નિર્માતા પાસે તેનો અમલ કરાવવાની શરત અને સલમાનની પોતાની ફી વચ્ચે સમતુલા કરીને ટર્મ્સ કરવાની રહે. તેથી આજકાલ સ્ટાર્સના કરાર, નિર્માતા સંજય ગુપ્તા કહે છે એમ, પચાસ-સાઇઠ પાનાંના હોય છે. ખરેખર તો સેંકડો કરોડ કમાતી ફિલ્મોમાં કામ કરવાના કોન્ટ્રાક્ટ ૧૦૦ પાનાંના હોય તો પણ શું કામ આશ્ચર્ય લાગવું જોઇએ? શું કહો છો?      

તિખારો!
અમિતાભ બચ્ચન છેલ્લે અમદાવાદ આવ્યા, ત્યારે એક સંસ્થાના કાર્યક્રમમાં સવાલ-જવાબ દરમિયાન પ્રશ્ન આવ્યો કે “આ ઉંમરે આટલી સ્ફુર્તિથી કામ કરતા રહો છો, તેનું રહસ્ય શું છે?” બચ્ચન સાહેબ કહે, “ચ્યવનપ્રાશ” અને પછી હસતા હસતા બોલ્યા, “પણ  એ કંપનીને એવું નથી લાગતું. કારણ કે હવે તેમણે મને બ્રાન્ડ એમ્બેસેડર નથી રાખ્યો!!” 


Sunday, March 16, 2014

ફિલમની ચિલમ..... ૧૬ માર્ચ, ૨૦૧૪





આયા હોલી કા ત્યોહાર ઉડે રંગ કી બૌછાર...”


 આ સપ્તાહે હોળી છે અને તેથી વાજબી રીતે જ રેડીયો-ટીવી ઉપરથી આયા હોલી કા ત્યોહાર ઉડે રંગ કી બૌછાર...” (નવરંગ)થી લઇને હોલી કે દિન દિલ ખિલ જાતે હૈં રંગોં સે રંગ મિલ જાતે હૈં...(શોલે) જેવાં સદાબહાર હોલી ગીતો’ દિવસભર સંભળાતાં રહેવાનાં. હોળીનું મહત્વ  નિમિત્તે ફિલ્મોની વાર્તામાં વળાંક પણ કેવા કેવા આવતા હોય છે? ‘દામિની’માં બળાત્કારની ઘટના બને કે ‘ડર’માં શાહરૂખ રંગોથી ચિતરાયેલા પોતાના ચહેરે જુહીને રંગે અને પછી સની દેવલ તેની પાછળ પડે એ હોળીના યાદગાર સીન્સ ગણાય. 

જ્યારે ‘શોલે’માં  ‘હોલી કબ હૈ? કબ હૈ હોલી...” એમ પૂછતો ‘ગબ્બર’ તેનો હુમલો હોલીની ઉજવણી દરમિયાન જ કરે છે ને? પરંતુ, આપણે આ હોળીએ એક નવો જ એંગલ લઈને ફિલ્મી કવિતામાંરંગશબ્દને વણી લઇને કરાયેલી રચનાઓ યાદ કરીએ. તેની મઝા એ હશે કે તેમાં માત્ર ગુલાલ જેવા ભૌતિક રંગની જ વાત નહીં હોય, એમાં વિવિધ લાગણીઓની રંગછટા પણ માણવા મળશે. 

ટૂંકમાં, અહીં માત્રરંગશબ્દથી શરૂ થતાં  રંગ ભરે બાદલસે...ઓ મેરી ચાંદની”, “રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું...” (ગઝલ) કે પછી રંગ રંગ કે ફૂલ ખિલે મોહે ભાયે કોઇ રંગ ના... અબ આન મિલો સજના..” (આન મિલો સજના) જેવાં જ ગાયનો નહીં, પણ ગીતના કમસેકમ મુખડામાં, અર્થાત શરૂઆતની પંક્તિઓમાં, ક્યાંય પણ રંગશબ્દનો ઉપયોગ થયેલો હોય એવી કેટલીક રચનાઓ જોઇશું. વા લીસ્ટમાં જહોની મેરા નામનું હુસ્ન કે લાખો રંગ, કૌન સા રંગ દેખોગે...” કે પછીરોટી’ના ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર,...”થી પણરંગજામી શકે.  

રંગને કેન્દ્રમાં રાખીને લખાયેલાં ગીતોમાં હોળીના દિવસોમાં પીવાતી ભાંગને ગ્લેમરાઇઝ કરતા ગીતખાઇકે પાન બનારસવાલા...”ની શરૂઆતમાં લખાયેલા અન્જાનના શબ્દો ભંગ કા રંગ જમા હો ચકાચક, ફિર લ્યો પાન ચબાય...” હોય કે પછી પ્રેમનગરમાં રાજેશ ખન્નાના મુખે ગવાતા શબ્દો, યે લાલ રંગ કબ મુઝે છોડેગા?....” હોય કવિઓએ રંગની કેટકેટલી છટાઓ બતાવી છે? એવી એક સરસ ડિઝાઇન આનંદ બક્ષીએ ‘કટી પતંગ’ના ગીત “આજ ન છોડેંગે અબ હમજોલી, ખેલેંગે હમ હોલી...”માં શબ્દોથી દોરી હતી. બક્ષીબાબુ લખે છે, “અપની અપની કિસ્મત હૈ કોઇ હંસે કોઇ રોએ, રંગ સે કોઇ અંગ ભીગોએ, રે કોઇ અસુવન સે નૈન ભીગોએ..!” વિધવા નાયિકા (આશા પારેખ)ને એ પંક્તિઓ કેવી ફિટ થાય અને કવિતા પણ કેવી ઉમદા થઈ. 

 

કે પછી  દુલ્હન એક રાત કીના એક ગીતમૈને રંગ લી આજ ચુનરિયા સજના તેરે રંગ મેં...”માં એક જ પંક્તિમાં શાયર  રાજા મેહંદી અલી ખાનરંગશબ્દને ક્રિયાપદ અને નામ બન્ને સ્વરૂપમાં વાપરી બતાવે. તો શૈલેન્દ્ર વળી એક ગાંવ કી કહાનીમાં લખશે રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાયે, રંગ ભરે સો જાલ બિછાયે,...”  અને એ જ રંગને આનંદ જેવા સદા આશાવાદી નાયક માટે મેઘધનુષી કલ્પીને ગુલઝારની કલમમાંથી ટપકે મુકેશનું ગીત મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને...”. 

તો સામી બાજુ શહીદે આઝમ ભગતસિંગની ઓળખ જેવા બની ચૂકેલા ગીતમેરા રંગ દે બસંતી ચોલા...”નો પણ દાખલો છે જ. અહીં એ જ પંક્તિ ત્રણ અલગ અલગ મ્યુઝિક ડીરેક્ટરોના હાથે કેવી માવજત પામે છે તે જોવા મળે છે.  . આર. રેહમાનધી લીજેન્ડ ઓફ ભગતસિંગમાં સોનુ નિગમ તથા મહંમદ વારીસ પાસે અને આનંદ રાજ આનંદ ૨૩ માર્ચ, ૧૯૩૧...”માં ઉદિત નારાયણ, હંસરાજ હંસ પાસે એ પંક્તિ ગવડાવે છે. બધી આવૃત્તિઓના મૂળમાં હતી શહીદ માટે પ્રેમધવને સર્જેલી ધૂનમાં રફી સાહેબે ગાયેલું દેશભક્તિનું અમર ગીત.
 
રાષ્ટ્રભક્તિના રંગને મનોજ કુમારની પૂરબ ઔર પશ્ચિમના એક ગીતમાં ભારત દેશને દુલ્હન કહીને ઇન્દીવરે રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ પૂરી બતાવ્યા....દુલ્હન ચલી, હો પહન ચલી, તીન રંગ કી ચોલી...”  તો નવપરિણીતાને સાહિર મુઝે જીને દોના આશા ભોંસલેએ ગાયેલા ગીતમાં શણગારની સલાહ આપતાં કહે છે, માંગમેં ભર લે રંગ સખી રી...” અને એ જ શાયર કભી કભીમાં નાયિકાનાં વખાણ કરવા રંગને ઉપયોગમાં લઇને કહેશે, તેરા ફૂલોં જૈસા રંગ...”   

નારી સૌન્દર્યને ઇન્દીવર શુધ્ધ હિન્દીમાં આમ વર્ણવે,મોતી જૈસા રંગ, અંગમેં રસ કા સાગર લેહરાયે....” (આંસુ ઔર મુસ્કાન) એ જ રીતે પોતાના ગૌર વર્ણની અદલા-બદલી કરી લેવા માગતી બંદિનીની નાયિકાના મુખે ગુલઝારની પ્રથમ ફિલ્મી કવિતામોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે....”  માં પણ રંગ જ કેન્દ્રમાં હતોને? જ્યારે લક્ષ્મીકાન્ત પ્યારેલાલની પહેલી ફિલ્મપારસમણી’નું  સૌથી જાણીતું બનેલું ગીત હંસતા હુઆ નુરાની ચેહરા, કાલી ઝુલ્ફેં રંગ સુનેહરા...” પણ રંગથી જ સજેલું હતું.

તો વળી તક્ષક માં હીરોઇન કહેશેમુઝે રંગ દે.... હાં રંગ દે... અપની પ્રીત વિચ  રંગ દે..”  એ જ પ્રમાણે પ્રેમ પૂજારીમાં નીરજની કવિતા ગાતી નાયિકા (વહીદા રહેમાન) તો છેલછબીલા હીરો (દેવ આનંદ)ને ‘‘રંગીલા રે...” એમ સંબોધીને ગાઇ ઉઠશે તેરે રંગમેં યું રંગા હૈ મેરા મન...”  દેવ - વહીદાની એ જ જોડી માટે ગાઇડમાં શૈલેન્દ્ર કેવો રંગ ભરે છે? તેરે મેરે સપને અબ એક રંગ હૈ...”!  પણ રંગ-કવિતા જીવન સાથે જોડાય ત્યારે મળતી તત્વદર્શી રચનાઓ? યે જીવન હૈ, ઇસ જીવન કા યહી હૈ રંગ રૂપ...” (પિયા કા ઘર), “દો રંગ જીવન કે ઔર દો રાસ્તે...” (દો રાસ્તે), “યે દુનિયા પતંગ, નીત બદલે યે રંગ, કોઇ જાને ના ઉડાનેવાલા કૌન હૈ...” (ફિલ્મ-પતંગ’)

આમ, ફિલ્મ સંગીતમાં તો ‘રંગ’ના એટલા બધા રંગ છે  કે તેને જે રીતે છાંટવા હોય એ રીતે છાંટી શકાય પરંતુ, હોળી-ગીતોની વાત જ નિરાળી હોય છે. એટલે આજે ચારે તરફ વાગતાં “રંગ બરસે ભીગે ચુનરવારી રંગ બરસે...” (સિલસિલા)  અને “હોરી ખેલે રઘુબીરા...” (બાગબાન) જેવાં ભારતીય ઢબે અમિતાભ બચ્ચનના કંઠે ગવાતાં ગીત, અમિતાભની ‘વક્ત...’માં “ડુ મી એ ફેવર, લેટ્સ પ્લે હોલી...” એમ વેસ્ટર્ન સ્ટાઇલમાં ગાતાં અક્ષય-પ્રિયંકા અને રણબીર-દીપિકાનું નશો ચઢાવી દે એવું ‘યે જવાની હૈ દીવાની’નું મસ્તીભર્યું  “બલમ પિચકારી, જો તુને મુઝે મારી...” સાંભળતાં સાંભળતાં સૌને ‘હોલી મુબારક’!