Sunday, August 31, 2014

ફિલમની ચિલમ.... ઓગસ્ટ ૩૧, ૨૦૧૪




અમિતાભ બચ્ચન કરી આપે
પ્રમોશનનું પણ પૈસા-વસૂલ પ્રમોશન!



અક્ષય કુમાર અને અભિષેક બચ્ચનથી લઈને સોનાક્ષી સિન્હા હોય કે સેક્સી સની લિયોની આખું ફિલ્મ જગત ‘પતિ પત્ની ઔર વોહ’ના સંજીવકુમારની અદામાં આજકાલ ગાય છે, “ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે....”! ઇન્ટરનેશનલ લેવલે ‘એ એસ એલ’ નામના અજાણ્યા રોગ માટે દાન મેળવવા શરૂ કરાયેલી ‘આઇસ બકેટ ચેલેન્જ’નો ઠંડો વાયરો ભારતમાં ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આરંભ કર્યા પછી બિપાશા બાસુ, દલેર મેહંદી, રીતેશ દેશમખ અને વરૂણ ધવન સહિતના કેટલાય સ્ટાર્સે પોતાના માથે બરફ ભરેલી ડોલ ઠાલવી છે. પરંતુ, પ્રિયંકા ચોપ્રા અલગ પડી છે. તેણે આ વાઇરલ ફીવરમાં જોડાવાનો ઇન્કાર કરી દીધો છે. તો સોનમ કપૂરે પણ ટ્વીટ કર્યું છે કે પોતે ડોનેશન કરી દીધું છે... તેને માટે ભારતમાં દુર્લભ એવા પાણીનો બગાડ કરવા લોકોને પ્રેરણા આપવી જરૂરી નથી. ‘સફાઇ અભિયાન’ જેવા અનેક હેતુ માટે આવો કોઇ ફીવર કેમ શરૂ નથી થતો? બાકી એક બાલદીમાં તો પ્રિયંકાની ‘મેરી કોમ’ ફિલ્મનું પ્રમોશન પણ થઈ જાત.


ફિલ્મના પ્રમોશનના મામલે જો કે અનુપમ ખેરનો શો અલગ કહી શકાય. અનુપમે પોતાના ટૉક શોમાં કોઇ પણ પિક્ચરનું પ્રમોશન કરવાનો ઇનકાર કરી દીધો છે. બલ્કે ચેનલ સાથે તેમણે પહેલેથી જ ચોખવટ કરેલી છે કે પોતાના સેટ પર કલાકારો સાથે માત્ર વાર્તાલાપ થશે.... કોઇ ફિલ્મનો પ્રચાર નહીં. આ અભિગમ એવા સમયમાં જ્યારે અમિતાભ બચ્ચનને પણ ‘કેબીસી’ના સેટ પર દીપિકા અને અર્જુન કપૂર સાથે ‘બુટીયા ડાન્સ’ કરીને નવી ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફૅની’નું પ્રમોશન કરવું પડે છે. સારી વાત એ છે કે બચ્ચન પોતે એ નર્તન વધારે એન્જોય કરે છે. બાય ધી વે, આ ‘બુટીયા’ એટલે શું? એ જ જેને કરિના કપૂરે ‘ગોરી તેરે ગાંવ મેં’ ફિલ્મમાં “ગોરે ગોરે રાઉન્ડ રાઉન્ડ ટુઉઉં...” કહીને હલાવ્યા હતા. ‘બુટીયા ડાન્સ’ની એડવાન્સ પબ્લિસિટી પોતાના બ્લૉગ પર ફોટા મૂકીને બચ્ચન સરે કરી હોઇ તેમને ચૂકવાતા કરોડો રૂપિયાનું સંપૂર્ણ વળતર પણ એ આપે છે. (પિક્ચરના પ્રમોશનનું પણ પ્રમોશન!)



એવા પ્રમોશન માટે હવે ભવિષ્યમાં ‘બચ્ચન બહુ’ ઐશ્વર્યાને પણ કોઇ ટીવી શોમાં જવું પડશે અને તે પણ આ જનરેશનના સૌથી નેચરલ એક્ટર ઇરફાન ખાન સાથે. કારણ કે ઐશ્વર્યા પોતાની પુનરાગમનની ફિલ્મ ‘જઝબા’માં પહેલી જ વાર વકીલની ભૂમિકામાં હશે અને ઇરફાન સસ્પેન્ડ થયેલા પોલીસ ઓફિસર બનશે. જો કે પોલીસ અધિકારીની ભૂમિકા ‘મર્દાની’માં કરનારી રાની મુકર્જી ‘કેબીસી’ના સેટ પર જે રીતે અસલી જિંદગીમાં ખરેખર ‘મર્દાની’ સાબિત થયેલી ફાતિમાનો હાથ સતત પકડીને બેઠી હતી, તે ‘સૅક્સ ટ્રેડ’ અને ‘હ્યુમન ટ્રાફિકીંગ’ અંગેની રાનીની પોતાની સંવેદના દર્શાવતી હતી. ‘મર્દાની’ જોતાં હિન્દી કવિયત્રી સુભદ્રાકુમારી ચૌહાણની માફી સાથે કહેવાનું મન થાય કે  “ખુબ લડી મર્દાની વો તો ચોપ્રાવાલી રાની થી...”! એ પંક્તિ રાનીએ ફિલ્મમાં કરેલી ફાઇટીંગને જ નહીં, બોક્સ ઓફિસના વકરાને પણ એટલી જ લાગુ પડે છે. ‘મર્દાની’એ ૧૨૫૦ સ્ક્રિન્સ પર પહેલા દિવસે સાડાત્રણ કરોડના કલેક્શનથી શરૂઆત કરી, ત્યારે થોડીક નિરાશા હતી. પરંતુ, ઓડિયન્સના પ્રતિભાવ પર બીજા દિવસે આંકડો પોણા-પાંચ થયો અને રવિવારે તો એ સવા છ કરોડે પહોંચતાં લગભગ ૧૫ ખોખાનો બિઝનેસ થયો. એટલે ‘ભૂતનાથ રિટર્ન્સ’ના એક ગાયનમાં અમિતાભ ગાય છે એમ કહીએ તો, ‘પાર્ટી તો બનતી હૈ’! પણ તેની ઉજવણી પતી ના પતી ત્યાં તો બે વિવાદ ઉઠ્યા.

પહેલો વિવાદ અન્ય એક ફિલ્મ ‘ચિલ્ડ્રન ઓફ વૉર’ના દિગ્દર્શક મૃત્યુંજય દેવવ્રતે ઉભો કર્યો છે. તેમણે મીડિયાને કહ્યું કે ‘મર્દાની’નું વાર્તા તત્વ અને અમુક સીન્સ પણ તેમની ફિલ્મ ‘ચિલ્ડ્રન ઓફ વૉર’માંથી ઉઠાંતરી કરાયા છે. જો કે રાનીને અને ખાસ તો ‘મર્દાની’ના દિગ્દર્શક પ્રદીપ સરકારને ન્યાય કરવા એટલું કહેવું પડે કે ‘ચિલ્ડ્રન ઓફ વૉર’ એ બાંગ્લાદેશની મુક્તિના સંગ્રામ વખતે પાકિસ્તાની સેનાના હાથે બાંગ્લાદેશી મહિલાઓ પર થયેલા અત્યાચાર અને દેહવ્યાપાર બન્નેને આવરી લેતી ફિલ્મ હતી. જ્યારે ‘મર્દાની’ સંપૂર્ણપણે ‘હ્યુમન ટ્રાફિકીંગ’ને લગતું પિક્ચર છે. તેમાં જાંબાજ મહિલા પોલીસ અધિકારી તરીકે રાનીના પાત્ર ‘શિવાની’ને કેન્દ્રમાં રાખી હોઇ વિલન તરીકે કે પછી નેગેટીવ ભૂમિકામાં હિન્દી ફિલ્મોના કોઇ જાણીતા કલાકારો દેખાવાના તો ચાન્સ હતા જ નહીં. કોણ તૈયાર થાય રાનીના હાથે ફક્ત માર જ ખાવા?....પડદા ઉપર ‘ઢીશુમ ઢીશુમ’ અને સ્ક્રીપ્ટના લેવલે ‘નો જિશુમ જિશુમ’!! 


હકીકતમાં તો ‘મર્દાની’ની સ્ક્રીપ્ટમાં રાનીના પતિનો રોલ કરતા જિશુ સેનગુપ્તાને જે અન્યાય થયો છે, તેનાથી એ બંગાળી એકટર કરતાં પણ નિર્માતા આદિત્ય ચોપ્રા વધારે વ્યથિત થયા છે. એક પતિ જ બીજા પતિનું દર્દ સમજી શકે પછી એ હસબંડ પડદા ઉપર જિશુ હોય કે અસલી જિંદગીમાં આદિ હોય. (આમ પણ કેટલીક બંગાળી પત્નીઓ પોતાના ‘હબી’-હસબન્ડ-ની ઓળખાણ “યે હમાળા ‘હૉબી’ હૈ” એમ કહીને જ આપતી હોય છેને?) એટલે આદિત્ય ચોપ્રાએ  ફોન કરીને રાનીના એ ‘પતિ’ જિશુની માફી પણ માગી.

એ વિવાદ ઓછા હોય એમ, આમિરખાને પણ અજાણતાં વિવાદ ઉભો કરતા હોય એમ ‘સત્યમેવ જયતે’ના એન્કરની અદામાં એક કોમેન્ટ કરી અને ‘મર્દાની’નું નામ પાડ્યા વગર રાની-ચોપ્રાના એક પ્લાનમાં અવરોધ ઉભો કર્યો. ‘મર્દાની’ને સેન્સરે આપેલા ‘એ’ સર્ટિફિકેટની ફેરવિચારણા માટે અરજી કરવાની રાનીએ જાહેરાત કરી. રાની અને આદિત્ય જાણે છે કે ધંધાની અત્યારની સિસ્ટમ પ્રમાણે બે વીક પછી નવાં પિક્ચરો લાગતાં થિયેટરના કલેક્શન્સમાં તેમને માટે કોઇ રસકસ રહેવાના નહીં..... સિવાય કે ઉત્તરપ્રદેશની જેમ અન્ય રાજ્ય સરાકારો પિક્ચરને ટેક્ષ ફ્રી કરે. એ સંજોગોમાં, ‘એડલ્ટ ઓન્લી’નો ધબ્બો કઢાવવાની જરૂરિયાત પડી શકે. પરંતુ, એ સમાચારના દિવસોમાં જ આમિરે પત્રકારોને કહ્યું  કે કોઇપણ પિક્ચરમાં ગાળો અને હિંસા હોય તો સેન્સરે તેને બાળકોને જોવાની છૂટ આપવી જોઇએ નહીં. (હા, ડોલની આડશે હીરો સંપૂર્ણ દિગંબર અવસ્થામાં ઉભો હોય તો એ ‘બકેટ ચેલેન્જ’ જેવું પોસ્ટર વાંધાજનક ના ગણાય!)

તિખારો! 
અનુપમ ખેરના શોમાં કપિલ શર્માએ ફરી એકવાર પોતાના હાજર-જવાબીપણાનો પરચો આપ્યો. પોતે ચાર્લી ચેપ્લિનની ‘ધી ડીક્ટેટર’ હજી ગયા અઠાવાડિયે જ જોઇ, એમ કપિલે કહ્યું; ત્યારે અનુપમ ખેરે પોતાનો ચાર્લી પ્રેમ દર્શાવવા ટહુકો પૂર્યો કે “મેં તો એ ફિલમ ૨૧ વખત જોઇ હતી...” ફુલટૉસ પર સિક્સર મારવાનું કપિલ ચૂકે કે? તરત બોલી ઉઠ્યો, “મુઝે તો વો પિક્ચર એક હી બાર મેં સમઝ આ ગઈ થી!!!”    

  

Sunday, August 24, 2014

ફિલમની ચિલમ..... ઓગસ્ટ ૨૪, ૨૦૧૪





ફિલ્મોમાં હવે કોઇ લોંગપ્લે ‘રેકોર્ડ’ છે જ નહીં! 


 અજય દેવગનની ‘સિંઘમ રિટર્ન્સ’ જે રીતે પહેલા પાંચ જ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ, તે જોતાં હવે એ દિવસો દૂર નથી લાગતા જ્યારે પહેલા જ દહાડે સેન્ચુરી થઈ જાય! જો કે અજયનો આ નવો રેકોર્ડ છે. પરંતુ, સચિન તેન્દુલકરે એક કરતાં વધુ વખત સાબિત કર્યું છે એમ, વિક્રમો તૂટવા માટે જ સર્જાતા હોય છે. ફિલ્મોમાં એ રીતે જુઓ તો હવે કોઇ રેકોર્ડ લાંબા ટકતા નથી.... કોઇ લોંગપ્લે રેકોર્ડ નહીં! તેથી આવનારા દિવસોમાં મોટા સ્ટાર્સની જે બધી ફિલ્મો આવવાની છે તે જોતાં દિવાળી અને ક્રિસ્મસ સુધીમાં ‘સિંઘમ રિટર્ન્સ’ને પાછળ રાખી દે એવું કાંઇક થાય તો આશ્ચર્ય નહીં હોય. કેમ કે હમણાં જ શાહરૂખની નવી ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’નું ટ્રેઇલર બજારમાં મુકાયું, ત્યારે પણ સંખ્યાની રીતે સોશ્યલ મીડિયામાં સનસનાટી થઈ ગઈ. એ ટ્રેઇલરને સિનેમાગૃહોમાં નહીં પણ ફેસબુક અને ટ્વીટર જેવા આધુનિક જમાનાના પ્લેટફોર્મ પર રિલીઝ કરાયું હતું, જ્યાં કોમ્પ્યુટર દર્શકોના આંકડા પણ આપે. એ ટ્રેઇલરને માત્ર ૨૪ જ કલાકમાં ચાર મિલિયન (૪૦ લાખ!) લોકોએ જોયું!



જો કે એ આંકડાઓ સામે પણ એવી ઘુસપુસ ચર્ચાઓ ચાલે જ છે કે એ કેટલા જેન્યુઇન હોય એ હજી સાબિત થવાનું બાકી જ છે. કારણ, બજારમાં એવી પ્રોફેશ્નલ કંપનીઓ હોય છે, જે તમારા વીડિયોને સંખ્યાબંધ હીટ્સ અપાવી શકે. તેમના પગારદાર માણસોનું કામ જ એ કે પેલો વીડિયો વારંવાર જુએ. તેને એ ચાલુ કરીને તરત પાંચ સેકન્ડમાં બંધ કરી દે તો પણ એક હીટ ગણાતી હોય છે. એકવાર થોડા જ કલાકોમાં અમુક સંખ્યા ક્રોસ કરવા માંડે એટલે એ વીડિયો જંગલની આગની જેમ ફેલાય અને ‘વાઇરલ’ થઈ જાય! પછી પિક્ચર રિલીઝ થાય ત્યારે ‘અમે જોઇ આવ્યા, તમે રહી ગયા’ એમ ૧૦૦ કરોડની ભેડચાલ થવાની જ. તેથી એવા રમતાં રમતાં ૧૦૦ કરોડનો વકરો લાવી શકતા સ્ટાર્સની પસંદગીને કોઇ નિર્માતા કે દિગ્દર્શક અવગણી શકે કે? પછી ભલેને એ ‘રાજશ્રી પ્રોડક્શન’ જેવું માતબર બેનર હોય અને સૂરજ બડજાત્યા જેવા સફળ નિર્દેશક જ કેમ ન હોય! 

સૂરજે પોતાની આવનારી ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં સલમાન સામે ‘દબંગ’ની હીરોઇન સોનાક્ષી સિન્હાને લગભગ ફાઇનલ કરી દીધી હતી. પરંતુ, હવે એમ લાગે છે કે હીરોની ઇચ્છા સોનમ કપૂર માટેની છે અને તેથી સોનાક્ષીની જગ્યાએ સોનમ આવશે. (ટૂંકમાં, ‘શત્રુઘ્ન સિન્હાની ‘સોનુ બેટા’ને બદલે હવે અનિલ કપૂરની ‘સોનુ બેટા’ હશે!) છતાં સોનાક્ષી પોતાનો બળાપો જાહેરમાં કદાચ વ્યક્ત ના પણ કરે. આફ્ટર ઓલ, સલમાન હોય, અજય દેવગન કે ફોર ધેટ મેટર રણબીર કપૂર હોય તેમની ફિલ્મની ઝલક માત્રથી ૨૪ કલાકમાં લાખો લોકોને આકર્ષી શકતા હીરો લોગને ગણત્રીવાળી કોઇ વ્યક્તિ નારાજ ના કરે. ‘એક દિવસમાં ૪૦ લાખ દર્શકો’ એ આંકડો જુઓ અને સામે અત્યારના ટિકિટના દર જુઓ તો દિવાળીના તહેવારની રજાઓના દિવસોમાં‘હેપ્પી ન્યૂ યર’નો કેવો રેકોર્ડ થઇ શક્શે એ અંદાજ મૂકવા ગણિતમાં ગ્રેજ્યુએટ થવાનું જરૂરી નથી હોતું! 


ટ્રેઇલર જોવાની ઉત્સુકતાને અગાઉના સમયમાં ટોકીઝોમાં આવનારી ફિલ્મોના મૂકાતા ફોટાઓની સાથે સરખાવી શકાય. તે દિવસોમાં નવું ‘પિચ્ચર’ આવવાનું હોય તેના ફોટા મૂકાય એ પણ સ્કૂલ-કોલેજોમાં ન્યુઝ થતા. પછી એ ફોટાઓ પરથી વાર્તાનો અંદાજ મૂકાય અને પોતપોતાના ગમતા સ્ટાર્સના ‘લુક્સ’ કે પહેરવેશ વિશે ચર્ચાઓ થાય. જ્યારે ‘જ્વેલથીફ’ના ફોટા મૂકાયા ત્યારે પહેલીવાર દેવ આનંદ પોતાના વાળના ફેમસ ઊંચા ગુચ્છાને તિલાંજલિ આપીને આડું માથું ઓળેલા દેખાયા હતા. ત્યારે મહિનાઓ સુધી એ ચર્ચાઓ ચાલી હતી કે આ બદલાવ કામચલાઉ એક ફિલ્મ પૂરતો હશે કે કાયમી? 

દેવ સાહેબે છેવટે પબ્લિકલી જાહેર કર્યું કે તેમનો આ ચેન્જ કાયમ માટેનો છે, ત્યારે અનેક ચાહકોએ પણ પોતાના વાળની સ્ટાઇલ બદલી કાઢી હતી. પોતાના ગમતા સ્ટાર્સ માટે વાળની સ્ટાઇલ બદલવાનું તો બહુ નાનું કામ કહેવાય. તે દિવસોમાં, ખાસ કરીને રાજકપૂર અને દિલિપકુમારના આશિકો વચ્ચે, કોલેજ કેન્ટિનોમાં ઝગડાઓ અને મારામારીઓ પણ થતી. જ્યારે એ બન્ને સ્ટાર્સ પોતે તો એકબીજાના દોસ્તાર જ હોય! એ સ્થિતિમાં આજે પણ ક્યાં ફરક પડ્યો છે? માત્ર કેન્ટીન બદલાઇ છે! હવે ટ્વીટર કે ફેસબુક પર વૉર ફાટી નીકળે છે. આજકાલ ટ્વીટર પર સલમાન, આમિર અને શાહરૂખ એ ત્રણ ખાનના ચાહકોએ એવું જ દંગલ કરી મૂક્યું છે. સલમાન અને શાહરૂખના આશિકોએ શાહરૂખની ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ સામે ‘કિક’ અને ‘થ્રી ઇડિયટ્સ’ની કમાણી મૂકીને તેની ફિરકી લીધી; તો સામે ‘એસ આર કે’ના પ્રશંસકોએ પોતાના ‘બાદશાહ’ને હંફાવવા બબ્બે સ્ટાર્સને સામે પડવું પડે છે વગેરે દલીલો કરી છે!

આ રીતે આજકાલ ચાહકોની સેનાઓ વચ્ચે જંગ જારી છે, ત્યારે જેમના માટે આ યુદ્ધ ખેલાય છે એ સ્ટાર્સ વચ્ચે તો દોસ્તી કેવી અકબંધ છે? આમિરે હમણાં જ જાહેર કર્યું કે પોતાની ફિલ્મ ‘પીકે’નું બીજું પોસ્ટર રિલીઝ કરવાની તારીખ એટલા માટે થોડીક મોડી કરી કે તે જ દિવસે શાહરૂખની ‘હેપ્પી ન્યૂ યર’નું ટ્રેઇલર સોશ્યલ મીડિયામાં રિલીઝ થઈ રહ્યું હતું. ‘પીકે’ના પ્રથમ દિગંબર પોસ્ટર પછી આ વખતે આમિરને પગથી માથા સુધી ઢાંકેલો દેખાડાયો છે. તેના પહેલા પોસ્ટરને જોતાં અને આજકાલ સેન્સરનો બદલાયેલો મુડ જોતાં એ ચિંતા રહે કે દિગંબરાવસ્થાને લગતાં દ્રશ્યોને સેન્સર પાસ કરશે કે પછી ‘મુમ્ભાઇ કનેક્શન’ની માફક સમઝૌતા કરાવશે? ‘મુમ્ભાઇ કનેક્શન’ એ મુંબઈના અંડરવર્લ્ડને દર્શાવતી અમેરીકાથી આવેલી હિન્દી ફિલ્મ છે. (‘મુમ્ભાઇ’ એ શબ્દ કચ્છી મિત્રોને અપરિચિત નહીં લાગે... એ સૌ તો વર્ષોથી ‘મુંબઈ’ને ‘મોભૈ’ કહે જ છે ને?) 

પરંતુ, ‘મુમ્ભાઇ કનેક્શન’માં ગાળોનો કેવો વરસાદ હશે કે સેન્સરે તેને પાસ કરતાં પહેલાં ૩૨ જગ્યાએ ડાયલોગનો વાંધો લીધો. હવે તેને બદલે ‘બીપ’ સાઉન્ડ હશે. એવું જ પેશાબનું પણ કહી શકાય. તાજેતરમાં આવેલી  ફિલ્મોમાં લગભગ તમામ હીરોને જાહેરમાં રેલો કરતા દેખાડાયા છે... અલબત્ત ઉંધા ફરીને જ. પણ શું એ ઉત્સર્ગ ક્રિયા સફળતાની નવી ફોર્મ્યુલાનો ભાગ હશે? (સોચો ઠાકુર!)

તિખારો!
 
 ગુલઝાર આ અઠવાડિયે ૮૦ વરસના થયા. ત્યારે તેમને જન્મદિનની શુભેચ્છાઓ આપનારા અસંખ્ય ચાહકોનો આભાર ગુલઝારે ફેસબુક પર આ શબ્દોમાં માન્યો....
મૈં કુછ ન કરતા તો ભી યહી હોતા- અસ્સી કા હો જાતા!
મગર યે ન હોતા
જો બેશુમાર દોસ્તોં સે ચાહને વાલોં સે
બેશુમાર દુઆએં ઔર મુબારકબાદેં મિલી હૈં!
હાલાંકિ બહુત મુમકિન હૈ,
કિ હર બરસ અગર દુઆએં ન મિલતીં તો....
મૈં અસ્સી કા હો હી ન પાતા-
તુસ્સી હો તો મૈં અસ્સી કા હું!