Sunday, October 19, 2014

ફિલમની ચિલમ.... ઓક્ટોબર ૧૯, ૨૦૧૪


(સંજય)દત્ત અને (કિશોર)કુમાર 
એક જ કપૂરમાં હોઇ શકે ખરા?

ફિલ્મની વાર્તા, ગીત કે સંગીતની માફક કોઇ વ્યક્તિના અંગત નામનો કૉપી રાઇટ હોઇ શકે કે? આ સવાલનો કાનૂની જવાબ ટૂંક સમયમાં મળી જશે, જો શ્રીદેવી દિગ્દર્શક રામ ગોપાલ વર્માને ખરેખર જ અદાલતમાં ઢસડી જશે તો! રામુ ઘણા વખતથી કોઇ વિવાદમાં નહતા આવ્યા, તે હવે પાછા ન્યૂઝમાં છે. તેમની નવી ફિલ્મનું ટાઇટલ ‘સાવિત્રી’થી બદલીને ‘શ્રીદેવી’ કરતાં શ્રીમતી બૉની કપૂર (વર્માજીના મતે તો, શ્રીમાન કપૂર!) નારાજ થયા છે. ફિલ્મનું નામ બદલો, તેથી બિનશરતી માફી માંગો અથવા કોર્ટ કેસનો સામનો કરો એવી નોટીસ મોકલી છે. હકીકતમાં તો ફિલ્મોનાં નામ રજીસ્ટર થાય ત્યારે એ ટાઇટલ સામે કોઇનો વાંધો હોય તો જે તે ચેમ્બરમાં ઉઠાવવાનો હોય. આ કેસમાં આંધ્ર પ્રદેશ ફિલ્મ ચેમ્બરે આ શિર્ષક મંજૂર કર્યું છે. 


વળી, રામ ગોપાલ વર્મા કહે છે એમ, છેલ્લાં વીસેક વરસમાં ‘શ્રીદેવી’ નામની ત્રણ ફિલ્મો બની અને રિલીઝ થઈ ચૂકી છે. તો પછી ‘શ્રી અને શ્રીમતી કપૂર’ને અત્યારે જ આટલા આકરા પાણીએ થવાની શી જરૂર હશે? આમ કરવાથી તો ‘શ્રીદેવી’ને (એટલે કે પિક્ચરને!) અત્યારથી પબ્લિસિટી મળવાની શરૂ થઈ ગઈ છે અને રામુએ પણ લાગ જોઇને પોતાનો ખુલાસો મીડિયામાં આપ્યો; જેનાથી ફિલ્મ વધુ પ્રચારમાં આવી છે. રામજીએ જાહેર ખુલાસામાં ‘અભિનેત્રી શ્રીદેવી’ માટેના પોતાના એક સમયના આકર્ષણની વાત કરીને તેમની  ફિલ્મના વિષય-વસ્તુ વિશે કોઇના મનમાં શંકા નથી રહેવા દીધી. રામુજીને પોતાની ઉગતી જવાનીના દિવસોમાં એક્ટ્રેસ શ્રીદેવી માટે ‘ક્રશ’ (મોહ, આસક્તિ, મુગ્ધતા) હોવાનું ફરી એકવાર જાહેર કરીને ખુલાસો કર્યો છે કે એવી વાર્તાઓ ‘મેરા નામ જોકર’ જેવી ફિલ્મોમાં આવી ચૂકી છે.

આવા મામલામાં શ્રીદેવીએ પોતાની એક સમયની હરીફ માધુરી દીક્ષિતના અભિગમને ધ્યાનમાં રાખવા જેવો હતો. માધુરીના નામને ફિલ્મના નામમાં સામેલ કરીને પણ રામ ગોપાલ વર્માએ ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં’ બનાવી જ હતીને? પરંતુ, અંતરા માલીને હીરોઇન તરીકે લઈને બનેલા પિક્ચર પ્રત્યે માધુરીએ કોઇ વિશેષ પ્રતિભાવ ન આપ્યો અને એ ક્યારે આવ્યું અને ક્યારે ગયું તેની કોઇ ખાસ નોંધ પણ ન લેવાઇ. હવે તો વર્માજીએ પોતાની ચોખવટમાં એ પણ કહ્યું છે કે તેમની વાર્તા પણ ‘જોકર’ની માફક નાની વયના કિશોર અને તેનાથી મોટી ઉંમરની સ્ત્રી વિશેની છે એમ પણ કહીને એ એક્ટ્રેસ શ્રીદેવી પ્રત્યેના પોતાના એક સમયના ‘ક્રશ’ના જાત અનુભવની વાર્તા કહેવાના છે એ પણ ચોખવટ કરી દીધી! 

 
ટૂંકમાં, એ શ્રીદેવીની જીવનકથા નહીં પણ રામગોપાલ વર્માની ‘(અંશતઃ) બાયોપિક’ હશે. આજકાલ ‘બાયોપિક’ સફળ થતાં હોવાનો પણ અનુભવ છે જ ને? ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘મેરી કોમ’ એ બે તાજા દાખલા છે. હજી કિશોર કુમાર અને સંજય દત્તની જીવનકથા ઉપરથી ‘બાયોપિક’ બનવાની છે અને મઝાની વાત એ છે કે તે બેઉ કલાકારોને પડદા ઉપર ભજવવા રણબીર કપૂરને વિચારણામાં લેવાઇ રહ્યો છે. રણબીરની સંમતિ સંજય દત્તની જીવનકથાને ભજવવા માટે મળી રહી છે; તેનું એક કારણ એ પણ છે કે તેનું દિગ્દર્શન ‘મુન્નાભાઇ...’ સિરીઝવાળા રાજુ હીરાણી કરવાના છે. તેથી જેવો ડર કિશોર કુમારના વારસો તરફથી દિગ્દર્શક અનુરાગ બાસુને છે એવી કોઇ કાનૂની ગૂંચ થવાના ચાન્સીસ નથી. 

કિશોરદાની જિંદગીના પ્રસંગો અંગે વિવાદ હોય તો તેના ખુલાસા માટે કોણ ઓથોરિટી ગણાય એ પ્રશ્ન થઈ શકે. જ્યારે સંજય દત્તના કિસ્સામાં તો વ્યક્તિ જાતે હાજર છે. (શંકા તો એવી પણ જાય કે ખુદ સંજુબાબાએ જ પોતાની જીવનકથા આલેખવાનું પોતાના મિત્રને ના સોંપ્યું હોય?) ગમે તેમ, પણ રણબીર જેવા આજના લોકપ્રિય સ્ટારની સંમતિ મળે તો આખા પ્રોજેક્ટનો સ્કેલ એ રીતે બદલાઈ જાય, જે રીતે કરણ જોહર અને રોહિત શેટ્ટી ‘રામ લખન’ માટે રણબીરને લેવાનું વિચારી રહ્યા હોવાના સમાચાર માત્રથી બિઝનેસ વર્તુળોમાં હલચલ વધી ગઈ છે. ‘રામ લખન’માં રણબીર અનિલ કપૂરવાળો ‘લખન’નો રોલ કરે અને અજય દેવગ્ન જેકી શ્રોફની માફક ઇમાનદાર પોલીસ ઓફિસર બને એવી એક દરખાસ્ત શરૂ થઈ છે. જો એ આગળ વધશે તો એ પ્રપોઝલમાં દીપિકા કે કેટરિનાની એન્ટ્રી થાય એ પણ શક્યતા છે.  

કેટરિનાની એન્ટ્રી અત્યારે તો લંડનના વિખ્યાત મેડમ તુસાદના મ્યુઝિયમમાં થવાની તૈયારીઓ ચાલી રહી છે. એ મ્યુઝિયમમાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન તથા માધુરી દીક્ષિતની સાથે સાથે હવે કેટરિના પણ હશે એ નિર્ણય લેવાઇ ચૂક્યો છે. આ એક નવો રેકોર્ડ હશે એમ પણ કહી શકાય. કારણ કે હિન્દી ફિલ્મોની અભિનેત્રી હોવા બદલ કેટરિનાને આ બહુમાન મળશે અને તેની તાજી ફિલ્મ ‘બેંગ બેંગ’ના પ્રચાર માટે હિન્દી ચેનલો પર ઇન્ટર્વ્યૂ આપતાં પણ તે સતત ઇંગ્લીશમાં જ જવાબ આપતી હતી! (અગાઉ ઝિન્નત અમાન અને પરવીન બાબીએ પણ શરૂઆત કોન્વેન્ટ સ્ટાઇલમાં કરી હતી. પરંતુ, કાળક્રમે હિન્દી પર સારો કાબુ મેળવી લીધો હતો.)

જો કે સિનેમામાં તો “ભાષાને શું વળગે ભૂર જે વકરામાં જીતે તે શૂર” વાળો ખેલ હોય છે અને જે રીતે ‘બેંગ બેંગ’નો આખી દુનિયામાં થઈને લગભગ ૩૦૦ કરોડનો બિઝનેસ થયો છે, એ જોતાં તો ‘કેટ’ને હિન્દી કેટલું આવડે છે એ કોણ પૂછવાનું છે? (એક જમાનામાં ગુજરાતી પિક્ચરોની ટૉપ હીરોઇનોને પણ ક્યાં એવું ફાંકડું ગુજરાતી આવડતું હતું?)  વકરાની રીતે હવે આ અઠવાડિયે દિવાળી પર રિલીઝ થનારી ‘હેપ્પી ન્યૂ યર’ પર બધીની નજર હશે. શાહરૂખ અને
દીપિકાની છેલ્લે આવેલી ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના કલેક્શનને પાર કરવાનું પહેલું ટાર્ગેટ હશે. એ જ રીતે ‘કિક’ અને ‘બેંગ બેંગ’ને પણ વટાવવાનાં રહેશે. જો કે ‘બેંગ બેંગ’ના અનુભવ પછી ફરી એકવાર ચિંતા એવી પણ રહ્યા કરે છે કે તહેવારોનો લાભ પત્યા પછીનું ભાવિ શું? ‘બેંગ બેંગ’ને બીજા અઠવાડિયે સોમવારથી જે રીતે મોટ્ટા ડ્રૉપ આવ્યા અને ત્રણ-ચાર કરોડનાં જ કલેક્શન મળ્યાં, એ એવી મોંઘી પ્રોડક્ટ માટે તહેવારો અને રજાઓના મેળની અનિવાર્યતા ફરી એકવાર સાબિત કરે છે. ‘હેપ્પી ન્યૂ યર’ માટે પણ લાભ પાંચમ પછીના સમય પર સૌની નજર હશે. પણ ત્યાં સુધીમાં તો દોઢસો-બસો કરોડ ભેગા નહીં કરી લીધા હોય?

તિખારો!
 
રેખા પોતાની ફિલ્મ ‘સુપર નાની’ના પ્રચાર માટે ‘બીગ બૉસ’ના સેટ પર હતી અને તેની ચર્ચા સતત રહે એવી મઝા કરાવીને ગઈ. તે ‘હાઉસ’ના તમામ રહેવાસીઓને ભેટી, પણ પુનિત ઇસ્સારને નહીં. પુનિતને જોતાં રેખાને ‘બીગ બી’ની યાદ તાજી થઈ ગઈ હશે નહીં? આ ‘બીગ બી’ એટલે? પુનિત ઇસ્સારનો  ‘બીગ બ્લો’!!

Saturday, October 11, 2014

ફિલમની ચિલમ...... ઓક્ટોબર ૧૨, ૨૦૧૪




ફિલ્મોનું લોકપ્રિય સંગીત એટલે ‘સોનાને લાગે નહીં કાટ....’





ફિલ્મોના સુપર હીટ સંગીતની વાત આવે અને પેલું ભજન યાદ આવે.... “સોનાને લાગે નહીં કાટ....”! તેમાંય લક્ષ્મીકાન્ત પ્યારેલાલ અને આર.ડી. બર્મન જેવા સંગીતકારો કે જેમનાં ગીતો જે તે સમયે ’૭૦ અને ’૮૦ના દાયકામાં કર્ણપ્રિય અને લોકપ્રિય બન્ને હતાં; તેમનાં ગાયનોના ભાવ આજે પણ કેવા ભારે છે એ કરણ જોહરને સમજાયું. કરણ, હવે તો સૌ જાણે છે એમ, ‘રામ લખન’ની નવી આવૃત્તિ બનાવી રહ્યા છે. એ ફિલ્મ બમ્પર હીટ થવાનું એક મોટું કારણ લક્ષ્મી-પ્યારેનું અત્યંત લોકપ્રિય થયેલું સંગીત હતું. તેનાં ગાયનો “વન ટુ કા ફોર... માય નેમ ઇઝ લખન...” હોય કે “તેરા નામ લિયા તુઝે યાદ કિયા...” કે પછી માધુરીના ડાન્સની રચના.... “બડા દુખ દિના, તેરે લખનને...” એ તમામ વાર્તાનું અતૂટ અંગ બને એ રીતે આનંદ બક્ષીએ તે ગીતોના શબ્દો ગૂંથ્યા હતા.

બક્ષી બાબુની (અને તે ગાળાના મોટાભાગના શાયરોની પણ!) એ જબરદસ્ત કમાલ હતી. તેમની કવિતા સ્ક્રિપ્ટ રાઇટરનું અડધું કામ કરી આપતી. એવાં વાર્તાને આગળ વધારવાની સહેલાઇ કરી આપતાં ગાયનો મળી જાય તો પછી તો સોનાને ઢાળ ચઢાવવાનો ક્યાં હોય છે? એટલે કરણ જોહરે તે સંગીતના રાઇટ ખરીદવાની ઇન્ક્વાયરી જેમની પાસે તેના હક્કો છે એ રેકોર્ડ કંપની ‘સારેગમા’ પાસે કરાવી અને ત્યાંથી ભાવ પડ્યો છે, “સવા કરોડ રૂપિયા”! એક રીતે કહીએ તો ફિલ્મની બે હીરોઇનોનો લગભગ આ રેટ થયો. (ઑલરેડી મૂળ પિક્ચરમાંના ડીમ્પલના રોલ માટે જેક્લીન ફર્નાન્ડીઝને ફાઇનલ કર્યાના ન્યુઝ છે અને તેની ‘ફી’ હજી આઠ આંકડાએ પહોંચ્યાના કોઇ સમાચાર નથી આવ્યા.) મ્યુઝિક્ના રાઇટ માટે  હવે વાટાઘાટો ચાલશે અને અંતે “તમારી વાત નહીં અને અમારી ય નહીં. ચલો, વચલી રકમ....” એવું કશુંક સમાધાન થશે. જો એમ થશે, તો રેડિયો સ્ટેશન્સવાળાઓ જેને ‘પુરાની જીન્સ’ કહે છે એવા સંગીતના પુનઃ હક્કો વેચવાનો  તે કદાચ સૌથી મોટો સોદો હશે.

જો કે કરણ જોહરને પણ ‘બેંગ બેંગ’ના સિધ્ધાર્થ આનંદની માફક એક વાતે અભિનંદન આપવા જોઇએ કે કોઇની ક્રિએટિવ પ્રોપર્ટીની થોડાક ફેરફાર સાથે ઉઠાંતરી કરવાની અત્યારની ‘ફોર્મ્યુલા’થી હટીને તેમણે પણ ઇમાનદારીથી મૂળ કૃતિના બાકાયદા રાઇટ ખરીદવાનો રસ્તો પકડ્યો છે. ‘બેંગ બેંગ’ એ હોલીવુડની ફિલ્મ ‘નાઇટ એન્ડ ડે’ ઉપરથી બનેલી છે અને તેના હક્કો કાયદેસર ખરીદવામાં આવ્યા હતા. (Knight નો અર્થ ‘શૂરવીર યોદ્ધો’ છે. પણ ‘બેંગ બેંગ’ની મૂળ અંગ્રેજી ફિલ્મનું નામ ‘Knight and Day' હોવાથી ઘણાને એમ છે કે પોતાનાં ટાઇટલ્સની શરૂઆત ઇંગ્લીશ મૂળાક્ષર ‘કે’થી કરવાની એકતા કપૂર તથા રાકેશ રોશનની આસ્થા ઠેઠ હૉલીવુડ સુધી પહોંચી ગઈ કે શું?!) ‘નાઇટ એન્ડ ડે’ની એક વાત એ પણ જાણવા જેવી છે કે ટોમ ક્રુઝની તે ફિલ્મ ટિકિટબારી ઉપર એવા ધડાકા કરી શકી નહતી. તેથી હોલીવુડની એવરેજ કહી શકાય એવી ફિલ્મની હિન્દી આવૃત્તિ કરવાથી શું ફાયદો થશે એમ બીક બતાવનારા પણ હતા. પરંતુ, જે રીતે પહેલા અઠવાડિયે દુનિયાભરનાં થિયેટર્સમાં થઈને સવાસો કરોડનો બિઝનેસ કર્યો છે એ જોતાં અને દિવાળી સુધી લગભગ એવી બીજી કોઇ મોટી સ્ટાર કાસ્ટવાળી ફિલમ ન હોઇ ૧૮૦ કરોડના ખર્ચે બનેલી કહેવાતી ‘બેંગ બેંગ’ નુકશાનીનો તાકો નહીં નીકળે એવી આશા બંધાઇ છે.  


‘બેંગ બેંગ’ની સાથે આવેલી વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ને પણ તેના ગજા મુજબનું કલેક્શન મળી રહ્યું છે અને પ્રથમ વીકમાં તેની ૨૪ કરોડની કૉસ્ટ સામે ત્રીસેક કરોડનો બિઝનેસ કરીને ‘પ્લસ પ્રોડક્ટ’ સાબિત થઈ છે. (કીડીને કણ અને હાથીને મણ!) ‘હૈદર’માં શાહીદ કપૂરનો અભિનય તેણે પોતાની કારકિર્દીનો બેસ્ટ કહ્યો છે. આમ તો દરેક ફિલ્મની રજૂઆત પહેલાં કલાકારો જે તે પિક્ચરને પોતાની કરિયરનું શ્રેષ્ઠ કહેતા આવ્યા છે અને તેથી શાહીદની વાતને ચપટીક મીઠા સાથે લેવાની રહે કે નહીં એ ચર્ચાનો વિષય હોઇ શકે. પરંતુ, નિર્માતા-દિગ્દર્શકો તબુ જેવી અભિનેત્રીને નહીં લઈને પ્રેક્ષકોને કેવી ટેલેન્ટેડ એક્ટ્રેસથી વંચિત રાખે છે એ તો ‘હૈદર’થી સમજાય જ છે. તેની સાથે વિશાલે કે.કે. મેનનને લઈને વિશીષ્ટ પ્રકારના કલાકારો પ્રત્યેની પોતાની કુણી લાગણી બતાવી છે. ‘કુણી લાગણી’ એટલે કે સરળ ભાષામાં કહીએ તો, ‘સૉફ્ટ કોર્નર’. તેની  અભિવ્યક્તિ વિશાલે અન્ય કલાકારોની પસંદગીમાં દેખાડીને ઇરફાન ખાન, કુલભૂષણ ખરબંદા અને આશિષ વિદ્યાર્થીને પણ શેક્સપિયરની આ અમરકૃતિમાં લીધા છે. 

એ બધા હૅવીવેઇટ કલાકારોની સાથે ‘હૈદર’ની હીરોઇન બાપડી શ્રદ્ધા કપૂરનું નામ ‘બેંગ બેંગ’ની હીરોઇન કૅટરિનાની માફક ચર્ચામાં નથી, એ કેવું આશ્ચર્ય કહેવાય? અહીં જ ટોપસ્ટાર્સની જરૂરી-બિનજરૂરી ગૉસીપની માર્કેટ વેલ્યુ દેખાઇ આવે છે. કૅટરિના પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે હવે એક આવાસમાં નિવાસ કરતી થઈ છે એ ગુસપુસિયા સ્કૂપની દુનિયાના આ વીકના સૌથી મોટા ન્યૂઝ છે! (બેઉનાં માબાપે કદાચ એમ કહ્યું હશે કે તમારે જે કપડાંમાં ફરવું હોય એ તમારા ફ્લેટમાં ફરો..... પરદેશના કોઇ બીચ પર પ્રદર્શન કરવાની જરૂર નથી!) જો કે ફિલ્મ ઉદ્યોગના જૂના અનુભવીઓ પશ્ચિમના લગ્ન વિના સજોડે રહેવાના આ ‘ટેસ્ટ ડ્રાઇવ’ પ્રકારના પ્રયોગને ભારતમાં બહુ સફળતા નથી મળતી એમ કહેતા હોય છે. એક જમાનામાં પરવીન બાબીએ એવી ‘લીવ-ઇન-રિલેશનશીપ’થી સનસનાટી કરી હતી. 

 પરંતુ, પરવીને તે દિવસોમાં કહ્યું હતું કે આપણા સમાજમાં વેસ્ટર્ન કલ્ચરની માફક પુરુષ ઘરમાં સ્ત્રીને મદદ કરે એ સમાનતાનો કન્સેપ્ટ નહીં આવે ત્યાં સુધી તેનો કોઇ અર્થ નથી. પરવીનના મતે, બેઉ જણ કામ પરથી પરત આવ્યાં હોય તો પણ સ્ત્રી સીધી રસોડામાં જાય એવી અપેક્ષા રાખીને પુરુષ સોફા પર પગ પર પગ ચઢાવીને ટીવી જોવા બેસી જાય એ જીવનશૈલી નહીં બદલાય ત્યાં સુધી એ ‘લીવ-ઇન’ હોય કે ‘મેરેજ’ કશો ફરક નહીં પડે. પરવીન બાબીનું પોતાના અનુભવનું એ નિરીક્ષણ અને આજની ટ્વીટરની ચિડિયા લાવી છે એ તનિષા મુકરજી તથા અરમાન કોહલીની જોડીના ભંગની ખબર બેમાં કોઇ સમાનતા દેખાય છે કે? એ બન્ને ‘બીગ બોસ’ના ઘરથી એક બીજા સાથે સંકળાયાં અને અજય દેવગ્ન તથા કાજોલ સહિતના સૌની નામરજી છતાં સંબંધ ગંભીર થતો ગયો. આજે ટ્વીટ મારફત અરમાન અને તનિષાએ અલગ થવાનું જાહેર કર્યું; તેનાથી પેલી કહેવત સાચી પડતી નથી લાગતી?.... વાર્યા ના માને તો હાર્યા માને! શું લાગે છે?

તિખારો!

‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ પરથી ગુજરાતીમાં પિક્ચર બને તો શું ટાઇટલ રખાય? ‘વેગ-આવેગ’ કે ‘વેગ-ઉદ્વેગ’ કે પછી ‘ફાસ અને ફાસંફાસ’?!